વિમુક્ત, વિચરતી અને અર્ધવિચરતી સમુદાય તથા કલ્યાણ બોર્ડના નામે કેન્દ્ર સરકારની લોલીપોપ, બોર્ડની રચના બાદ એક પણ રૂપિયા ગ્રાન્ટ ફાળવાઈ નથી

     

 
       તાજેતરમાં જ આણંદના અનિલકુમાર તળપદા નામના યુવા આર.ટી.આઈ એક્ટિવિસ્ટે કરેલી એક આર.ટી.આઈ. દ્વારા ખુલાસો થયો છે કે, કેન્દ્ર સરકાર દ્વારા 21, ફેબ્રુઆરી 2019ના રોજ પ્રસિદ્ધ કરાયેલા ગેજેટ મુજબ સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયના તાબા હેઠળ વિમુક્ત, વિચરતી અને અર્ધવિચરતી સમુદાય વિકાસ તથા કલ્યાણ  બોર્ડની રચના અને કાર્યક્ષેત્ર બાબતે કેટલાક નિયમો જાહેર કર્યા હતા. ત્યારબાદ 11મી માર્ચ, 2019ના રોજ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ગેઝેટ પ્રસિદ્ધ કરી આ બોર્ડમાં ચેરમેન તરીકે ભીખુભાઈ રામજી ઈદાતે અને બે સભ્યોમાં કુ. મિત્તલ પટેલ તેમજ ઓટારમ દેવાસીની નિમણૂંક કરી હતી. પછી થી ૧લી જાન્યુઆરી, ૨૦૨૦ના રોજ ઓડર કરી નવા ત્રણ સભ્યોનો પણ ઉમેરો કરાયો હતો જેમાં કિશનચંદ્ર સિસોદીયા, તુર્કા નરસિમ્હા, કે. ભાસ્કર દાસની નિમણૂંક કરી હતી.

કેન્દ્ર સરકારે આ બોર્ડના કાર્યો અને શરતો નક્કી કરી હતી. જેમાં દેશની વિમુક્ત, વિચરતી અને અર્ધવિચરતી સમુદાય માટે આવશ્યકતા મુજબ કલ્યાણ અને વિકાસ કાર્યો રચવા અને અમલમાં મુકવા, આ સમુદાયોની ગીચ વસ્તીના સ્થાનો નક્કી કરવા, પ્રવર્તમાન કાર્યક્રમો સુધી પહોંચવા અંતરાલનું મુલ્યાંકનઅને આઈડેન્ટિફાઈ કરવા તેમજ મંત્રાલયો/અમલીકરણ એજન્સીઓ સાથે સહયોગ કરવા માટે ચાલી રહેલા કાર્યક્રમોમાં વિમુક્ત, વિચરતી અને અર્ધવિચરતી સમુદાયોની વિશેષ આવશ્યકતાઓને પૂર્ણ કરે છે તેની ખાતરી કરવાનું જણાવ્યું હતુ. ઉપરાંત વિમુક્ત, વિચરતી અને અર્ધવિચરતી સમુદાયો સંદર્ભે ભારત સરકાર અને રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોની યોજનાઓની પ્રગતિનું નિરીક્ષણ અને મૂલ્યાંકન કરવા, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા સોંપવામાં આવે તેવા કાર્યો કરવા માટે પણ ગેઝેટમાં જણાવ્યું હતુ.

પરંતુ આ સમગ્ર કાર્યો સંદર્ભે જ્યારે આર.ટી.આઈ એક્ટિવિસ્ટ અનિલકુમાર તળપદા દ્વારા આર.ટી.આઈ. કરી કામગીરીના લેખા-જોખા અને ફાળવાયેલી અને વપરાયેલી ગ્રાન્ટનો હિસાબ માંગવામાં આવતા કેન્દ્ર સરકારનો ચોંકાવનારો જવાબ આવ્યો છે. કેન્દ્ર સરકારના જવાબમાં જણાવ્યુ છે કે, આ બોર્ડમાં અત્યાર સુધી કોઈ ગ્રાન્ટ ફાળવવામાં આવી નથી. તેમજ કોઈ પણ પ્રકારની અન્ય યોજના પણ  જાહેર ન કરાઈ હોવાની વિગતો સામે આવી છે.

ત્યારે સવાલ એ ઉભો થાય છે કે, ખુદ કેન્દ્ર સરકારે વિમુક્ત, વિચરતી અને અર્ધવિચરતી સમુદાયો માટે ગઠિત કરેલા બોર્ડમાં અત્યાર સુધી કોઈ પૈસા ફાળવી આ સમુદાયો માટે વિકાસ કાર્યો કેમ ન કરાયા? આ સમુદાયો વર્ષોથી પીડાતા આવ્યા , એક પણ સરકાર દ્વારા આ સમુદાયોની વેદનાઓ સાંભળવામાં નથી આવી અને ના તો તેમની માટે કોઈ વિશેષ જોગવાઈ કરાઈ છે. આ સમુદાયોને દરેક વખતે લોલીપોપ બતાવી તેમનો વોટબેન્ક તરીકે દરેક સરકારે ઉપયોગ કર્યો છે.

આઝાદ ભારતની રચના બાદ જ્યાં એસ.સી.-એસ.ટી., ઓબીસી અને જનરલ જેવા અલગ-અલગ ક્વોટા પાડવામાં આવ્યા, તેવી રીતે સમય જતા એક વંચિત અને શોષિત તેમજ અસ્થાયી વર્ગ તરીકે NTDNT(વિચરતી-વિમુક્ત જનજાતિ)ની રચના પણ થઈ હતી. આ વર્ગ માટે આઝાદ ભારતની એક પણ સરકારે નક્કર નિર્ણયો લીધા નથી. જેના પરિણામે વિચરતી-વિમુક્ત જાતિમાં સમાવેશ થતી અનેક જાતિઓ આજે પણ વિકાસથી વંચિત છે. આટલે તો ઠીક પરંતુ સરકાર દ્વારા જ ગઠિત કરાયેલા આ વિચરતિ વિમુક્ત જાતિના બોર્ડને અત્યાર સુધી ના તો કોઈ મોટી ગ્રાન્ટ ફાળવી નથી તે કડવી વાસ્તવિકતા છે.

બીજી તરફ ગુજરાતમાં આ સમુદાય માટે વિચરતી-વિમુક્ત જાતિ નિગમની રચના કરાઈ છે. પરંતુ તેમાં પણ કોઈ વિશેષ જોગવાઈ કે મોટુ ભંડોળ ફાળવાયુ નથી. આ નિગમમાં રાજ્ય સરકારે ફક્ત 5 કરોડના વાર્ષિક બજેટની જોગવાઈ કરી હતી. જે આ બહોળા અને વંચિત સમુદાયો સાથે અન્યાય સમાન છે.
ગુજરાતમાં વિચરતી-વિમુક્ત જાતિમાં કોળી, વાઘરી(દેવીપૂજક), મિયાણા, છારી સહિત 40 જાતિઓનો સમાવેશ થાય છે. આ સમુદાયના લોકો મોટા ભાગે અસ્થાયી જીવન વિતાવતા હોય છે. તેઓનું ભટકતુ જીવન ગુજારવા આજે પણ મજબૂર છે. પરંતુ સરકાર અને વિરોધ પક્ષ ક્યારેય આ જાતિઓના વિકાસ માટે સજાગ થયા નથી અને ના તો આ જાતિઓની લડાઈ લડવા માટે કોઈ સામાજિક કાર્યકર્તાઓએ પહેલ કરી છે.

રિપોર્ટ: હાર્દિક દેવકીયા

ટિપ્પણીઓ નથી

Blogger દ્વારા સંચાલિત.