શું કેસરને ન્યાય મળશે ?


   
     ધોર જાતિવાદી અને પરિવારવાદી આ કોલેજિયમ સિસ્ટમે લોકતાંત્રિક મૂલ્યોની હત્યા કરીને ભારતની ન્યાય વ્યવસ્થા પર મોટું પ્રશ્નાર્થચિહ્ન લગાવી દીધું છે. વાત છે દિલ્હીના જહાંગીરપુરી ઇલાકામાં રહેતા એક હસતા-ખેલતા દેવીપૂજક પરિવારની. 27 એપ્રિલ, 2018 નો એ દિવસ હતો. મા-બાપે પોતાની દિકરી કેસરને વહેલી સવારે હસીખુશીથી ભણવા સ્કૂલે મોકલી હતી. પરંતુ એજ દિવસે દુઃખદ ખબર આવે છે. દિકરીના પિતાને કોલ દ્વારા જણાવવામાં આવે છે કે કેસરને બાબુ જગજીવન રામ મેમોરિયલ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી છે. દિકરી કેસરના પરિવારજનો હોસ્પિટલ દોડી જાય છે અને જોવે છે કે દિકરી કેસર ઈમરજન્સી સ્ટ્રેચર પર છે અને તેને ખૂબ પ્રમાણમાં ઇજા થઇ છે અને લોહી વહી રહ્યું છે. ત્યાં સ્કૂલ પ્રશાસન, પ્રિન્સિપાલ તેમજ ટીચર હાજર હોય છે. એડિશનલ SHO (પોલિસ સબઇન્સપેક્ટર) ધનંજય ગુપ્તા પણ ત્યાં હાજર હોય છે. ત્યારે પરિવારજનો સ્કૂલ પ્રશાસન અને પ્રિન્સિપાલને પ્રશ્ન કરે છે કે શું ઘટના બની?, આટલી બધી ઇજા કઈ રીતે થઈ? ત્યારે સ્કૂલ પ્રશાસન દ્વારા કોઈજ પ્રત્યુત્તર પ્રાપ્ત થતો નથી. દરેક એવુંજ કહે છે કે મને નથી ખબર. એટલામાં ડૉક્ટર આવે છે, તેના પિતાને જણાવે છે કે કેસરની હાલત ખૂબ ગંભીર છે તેને ઉચ્ચ કક્ષાની હોસ્પિટલમાં ખસેડો. ત્યાંથી કેસરને મેક્સ હોસ્પિટલ સાલીમાર બાગ ICUમાં એડમિટ કરાય છે. 
બાદમાં પરિવારજનો અને સમાજના લોકો મળી પોલિસ સ્ટેશન FIR નોંધવા જાય છે, પરંતુ પોલિસ તાપસ કર્યા બાદ FIR નોંધવાના બહાના હેઠળ ફરિયાદ લેતી નથી. તેજ દિને રાત્રે સાડા નવ વાગે ધરે એડિશનલ SHO ધનંજય ગુપ્તા દિકરી કેસરનાં પિતા સુરેશભાઈ કુંઢીયાને મળવા આવે છે, અને જણાવે છે કે "મેં CCTV ફુટેજમાં તમારી દિકરીને નીચે પડતા જોઈ છે" અને FIR દાખલ કરાવવા પર કહ્યું કે તપાસ ચાલુ છે, બાદમાં ફરિયાદ નોંધાશે. 28 એપ્રિલે સવારમાં અખબાર 'નવભારત ટાઈમ્સ'માં ખબર આવે છે કે દિકરી કેસરે આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. વગર કોઈ પ્રકારની તપાસે કરે પોલિસે મીડિયાને સ્ટેસ્ટમેન્ટ આપી દીધું કે દિકરીએ (અટેમ્પટ ટુ કમિટ સુસાઇડ) આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે, ઘટના ઘટી તે દિવસના કોઈ CCTV ફૂટેજ પ્રાપ્ત થતા નથી. આ ખૂબ આશ્ચર્ય પમાડે પોલિસ પર શંકા પેદા કરે એવી બાબત છે. એડિશન SHO ધનંજય ગુપ્તા કે'તા કે કેસરને નીચે પડતા મેં CCTV ફૂટેજમાં જોઈ છે અને બીજા જ દિવસે પલટાઈ ગ્યાં ! કહેવા લાગ્યા કે "મને કંઈ જ ખબર નથી, હું કાંઈ નહિ જાણતો." (!) હજુ પણ પોલિસે ફરિયાદ નહોતી  લીધી. ત્રણ દિવસ સુધી દિકરીનાં પરિવારજનો અને સમાજ પોલિસ સ્ટેશન બહાર પ્રદર્શન કરતા રહ્યા પણ FIR નહોતી નોંધવામાં આવતી. પરિવારજનો સમાજના લોકોના ભેગા થઈ ખૂબ રોષ બાદ ઘટના બન્યાના ત્રણ દિવસ બાદ 30 એપ્રિલ રાત્રે 11 કલાકે FIR નોંધાય છે. અને હોસ્પિટલમાં દિકરી કેસર જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાતી રહે છે. 1 મેં, 2018ના રોજ દિકરી અંતિમ શ્વાસ લે છે. આખરે આ જે ઘટના એ સ્કૂલમાં ઘટી ત્યારે કોઈ સ્કૂલ પ્રશાસન ત્યાં મોજુદ નહોતું !? આ ઘટના હતી કે ઘટનાનું રૂપ આપવામાં આવ્યું છે ? જો આ ઘટના જ હતી તો ઘટનાની જવાબદારી સ્કૂલ પ્રશાસને જ લેવી જોઈતી હતી, પરંતુ સ્કૂલ પ્રશાસન જ જવાબદારી લેવાથી હટી રહી છે. સ્કૂલ પ્રશાસનને કાઈ ખ્યાલ નથી (!) પોલિસે પણ સમય પર કોઈ કાર્યવાહી ન કરી અને 24 કલાકની અંદર જ 'નવભારત ટાઇમ્સ' અખબાર ને સ્ટેસ્ટમેન્ટ આપી દીધું કે દિકરીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે !! જો કે દિકરી પર એવું કોઈજ પ્રેશર નહોતું પરિવાર દ્વારા કે ન તો તેના ફ્રેન્ડ્સમાં એવું કોઈ જ પ્રેશર નહોતું કે તેને આત્મહત્યાનો પ્રયાસ કરવો પડે. 15 વર્ષની દિકરી કેસર ભણવામાં ખૂબ હોંશિયાર, સરકારના 'બેટી બચાવ, બેટી પઢાવ' જેવા કેમ્પેનમાં પણ ભાગ લેતી, ડિસ્ટ્રિક્ટ ઇન્ટર-સ્કૂલ કોમ્પિટિશનમાં પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો હતો. પરિવારજનોનું કહેવું છે કે કેસરને ટીચર પરેશાન કરતા હતા, કેસરે અગાવ જણાવ્યું હતું પણ અમે ગંભીરતાથી ન લીધું. દિકરી કેસરની સહેલીને આ ઘટના વિશે પૂછતાં જણાવ્યું કે કેસરને પ્રિન્સિપાલ ઓફિસમાં બોલાવવામાં આવી હતી, બાદમાં કેસર શાળાના દાદર પાસે બેસી ખૂબ રડતી હોવાનું જણાવ્યું, સહેલીએ રડવાનું કારણ પૂછતાં દિકરી વધુ રડવા માંડી અને કહે તું અહીં થી ચાલી જા, ત્યારબાદ થોડીક ક્ષણોમાં કેસર નીચે પડેલી મળે છે. સમગ્ર ઘટનાની સોશિયલ મિડિયા દ્વારા જાણ થતાં સમગ્ર ગુજરાતનાં દેવીપૂજક વાઘરી સમાજમાં ચક્રચાર મચી જાય છે.


ગુજરાતનાં વિવિધ સંગઠનો દ્વારા કલેકટર અને વિવિધ કક્ષાએ આવેદનપત્ર અપાય છે તેમજ રેલી-કેન્ડલ માર્ચ દ્વારા પ્રદર્શન કરી CBI તપાસની ઉગ્ર માંગ કરવામાં આવે છે. એક તરફ દિકરી કેસરનો અંતિમસંસ્કાર પણ થઈ ગયો, અંતિમસંસ્કારમાં દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ મોજુદ હોય છે. મુખ્યમંત્રી કેજરીવાલ આશ્વાસન આપે છે અને પોતાના લેટરપેડ પર Lt. ગવર્નરને પત્ર લખી CBI તપાસની માંગ કરે છે. ઉપરાંત દિકરીના પરિવારને Lt. ગવર્નર અને CMના(પોતાના) જોઈન્ટ રિલ્ફ ફંડ માંથી 10 લાખ રૂપિયાની સહાય આપી આશ્વાસન આપ્યું કે આ ધન રાશિ દિકરીના કેસ લડવામાં વાપરજો. પરિવારજનો અને સ્થાનિક સમાજના કાર્યકરો DCP, એલ.ટી. ગવર્નર, પૂર્વ કાયદા મંત્રી કપિલ સિબ્બલ, માનવઅધિકાર આયોગ, મહિલા સંરક્ષણ આયોગ દરેક જગ્યાએ આવેદન આપી CBI તાપસની માંગ કરી. તે વખતે ભાજપા અધ્યક્ષ અમિત શાહને પણ મળવા ગ્યા,  પરંતુ અમિત શાહે જાજી કોઈ વાત કરી નહીં અને પોતાના PA રાકેશ મિશ્રાને મળવા જણાવ્યું, પરંતુ રાકેશ મિશ્રાએ કાંઈ વાત કરી નહીં અને 10 દિવસ બાદ મળવા કહ્યું.., દસ દિવસ બાદ જ્યારે સમાજના આગેવાનો પરિવારજનો ત્યાં જાય છે ત્યારે બીજા કોઈ દિવસે મળવા કહ્યું અને ફોન પર વાત કરતા દેવીપૂજક સમાજનું ઘોર અપમાન કર્યું, ત્યારબાદ પરિવારજનોએ સ્વાભિમાન જાળવવા તેને મળવા જવાનું તાડયું.

ત્યારબાદ સ્થાનિક સમાજના કાર્યકરો સંગઠીત થઈ કેન્ડલમાર્ચ કરી અને ગૃહ મંત્રલાયમાં CBI તપાસની ઉગ્ર માંગ કરી, બાદમાં લોકલ ક્રાઇમબ્રાન્ચને કેસ સોંપવામાં આવ્યો. પરંતુ ક્રાઇમબ્રાન્ચ પણ તપાસ ક્યાં કઈ દિશા ચાલી રહી છે તેની કોઈ માહિતી નહોતી આપતી. ગુજરાત દેવીપૂજક સમાજ શિક્ષણ સમિતિ (DSSS) ટીમ દ્વારા 12મી મે, 2018 ના રોજ પ્રધાનમંત્રી મોદી સહિત 'રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ' (નેશનલ કમિશન ફોર પ્રોટેકશન ઓફ ચાઈલ્ડ રાઇટ્સ - NCPCR) ને પત્ર કરી CBI તપાસની માંગ કરવામાં આવી તેમજ NCPCR માં પિટિશન દાખલ કરવામાં આવી. ત્યારબાદ NCPCR દ્વારા DCP ને નોટિસ ફટકારાઇ અને યોગ્ય તાપસ કરી રિપોર્ટ મોકલવા કહેવાયું, પરંતુ DCP તરફથી કોઈ પ્રત્યુત્તર ન મળતા બીજી વખત આયોગે નોટિસ ફટકારી અને 20 દિન માં રિપોર્ટ આપવા કહેવાયું. આમ બે વખત નોટિસ અપાઈ. 6 ઓગસ્ટ, 2018 એ ક્રાઇમબ્રાન્ચના DCP એ રિપોર્ટ આપતા જણાવ્યું કે તાપસ હજુ ચાલુ છે, સ્કૂલ બિલ્ડીંગના ત્રીજા માળેથી પડતા શરીરના ગણા ભાગો પર ખૂબ ઇજા થતાં મૃત્યુ થયું છે એવું પોસ્ટમોર્ટમ રિપોર્ટ દ્વારા વિધિત થાય છે અને સાથે સુસાઇડ નોટ પણ મળી આવી છે એવું જણાવ્યું. પોલિસ પરિવારજનોને સુસાઇડ નોટ બતાવે છે અને જણાવે છે કે નોટ તેના બેગ માંથી મળી છે અને સુસાઇડ નોટમાં લખ્યું છે કે "હું આર્મી ઓફીસર બનવા માંગુ છું અને દુનિયામાં સૌથી ઉંચી મહિલા પોસ્ટ પર જવા માંગુ છું પરંતુ હું નહીં બની શકું, મને ખબર નહીં કેમ? મને લાગે છે મારૂ જીવન મરી ગયું છે. એક વસ્તુ હું મારા જીવનમાં જોઈ શકું છું કે મારા જીવનમાં કશું જ નથી." દિકરીના પરિવારજનો તે નોટમાં વચ્ચે ત્રણ પેજ ફાટેલા કેમ છે? એવો સવાલ કરે છે અને આ નોટમાં અક્ષરો અમારી દિકરીના નથી, અમારી દિકરીને આવું કોઈજ પ્રકારનું દબાણ નહોતું અને સુસાઇડ નોટ નકલી હોવાનો દાવો કરે છે. બાદમાં યોગ્ય તપાસ કરવા અને સ્કુલ પ્રશાસન વિરુદ્ધ કેસ નોંધવા ઉગ્ર માંગ સાથે જંતરમંતરમાં ઉપવાસ ધરાણા કરી જનપથથી સંસદમાર્ગ સુધી માર્ચ કરી.
લોકશાહીની ચોથી જાગીર ગણાતી મિડિયા પણ ત્યાં ફરકી નહીં, એકમાત્ર પત્રકાર NDTVના રવિશ કુમારે કવરેજ લીધી. બાકી બીજી કોઈ મીડિયા હાઉસને દિકરી કેસરના પરિવારજનોની પીડા ન જણાઈ. રવિશ કુમાર પોતે પરિવારજનોને મળે છે અને આશ્વાસન આપે છે. બાદમાં DCP દ્વારા પરિવારજનોને બોલવાય છે અને CCTV ફૂટેજ બતાવાય છે. પાંચ માળ ની બિલ્ડીંગ છે તેના બીજા માળના CCTV માં ઉપરથી નીચે પડતા બતાવાય છે. ફુટેજમાં દિકરી કેસરનું  ઘડ નીચે અને પગ ઉપર રહે તેવી હાલતમાં પડતી દેખાય છે. (આશ્ચર્યની વાત એ છે કે 3જા માળે થી છલાંગ લગાવી હોય તો બોડી સીધે સીધી નીચે પડવી જોઈતી હતી પરંતુ ધડ નીચે અને ટાંગ ઉપર કેમના થઈ ગયા?) તેથી વિશેષ આગળ પાછળની કોઈ ફૂટેજ બતાવાતી નથી માત્ર ત્રણ સેકન્ડ ની ક્લિપ બતાવાય છે. તો અહીં સવાલ ઉભો થાય છે કે અત્યાર સુધી CCTV ફૂટેજ ક્યાં હતા? એકવાર તો DCP દ્વારા લેખિતમાં અપાયું હતું કે CCTV ફૂટેજ પ્રાપ્ત થતા જ નથી તો આટલા દિવસો બાદ અચાનક ક્યાંથી ફૂટેજ મળી ? ખૂબ શંકાઓ ખૂબ પ્રશ્નો ઉભા થાય છે. હાલ 9 મહિના થી વધુ સમય થઇ ગયો પરંતુ હજુ સુધી ચાર્જશીટ દાખલ નથી થઈ, નિયમ મુજબ 90 દિવસમાં કોર્ટમાં ચાર્જસીટ દાખલ કરી દેવી પડે અને વધુ તપાસ કરવાની જરૂર જણાય તો કોર્ટ પાસે રીમાંડ માંગવા પડે પરંતુ હાલ કેસ ક્રાઇમબ્રાન્ચ દ્વારા ક્યાં કઈ દિશા ચાલી રહ્યો છે કાઈજ જાણકારી મળતી નથી. હાલ કેસરના પરિવારજનો સેશનકોર્ડમાં વિવિધ શંકાસ્પદ મુદ્દાને લઇને પિટિશન કરવાની અને CBI કક્ષાની તપાસની માંગ કરવાની તૈયારી બતાવી રહ્યા છે. - શું કેસરને ન્યાય મળશે  ?



ટિપ્પણીઓ નથી

Blogger દ્વારા સંચાલિત.