કાયદાની કલમે (લેખાંક : ૨) : શું છે રાજદ્રોહ નો ગુનો? કાયદામાં શું જોગવાઈ છે? જાણો સંપૂર્ણ માહિતી


        આપણે અવાર નવાર ટીવી ન્યુઝ મીડિયામાં જોઈએ છીએ કે કોઈ વ્યક્તિ પર રાજદ્રોહનો ગુનો દાખલ થયો. પરંતુ મોટેભાગે આપણે જાણતા નથી હોતા કે કાયદામાં રાજદ્રોહની શું જોગવાઈ છે. તો ચાલો જાણીએ..

Indian Penel Code,1860 (ભારતીય ફોજદારી અધિનિયમ, ૧૮૬૦) ની કલમ ૧૨૪ મુજબ જે કોઈ વ્યક્તિ, ભારતના રાષ્ટ્રપતિ અથવા કોઈ રાજ્યના રાજ્યપાલને રાષ્ટ્રપતિ એવા રાજ્યપાલની કાયદેસરની કોઈ સત્તા કોઈ રીતે વાપરવા માટે અથવા વાપરવા અટકાવવા માટે તેમને પ્રેરવા કે તેમને ફરજ પાડવાના ઈરાદાથી તેમના ઉપર હુમલો કરે અથવા તેમનો ગેરકાયદેસર અવરોધ કરે અથવા ગેરકાયદે અવરોધ કરવાની કોશિશ કરે અથવા ગુનાહિત બળથી કે ગુનાહિત બળ દાખવીને ધાક બેસાડે અથવા એ રીતે ધાક બેસાડવાની કોશિશ કરે, તેને સાત વર્ષ સુધીની બે માંથી કોઈ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે.

આઈપીસી ની કલમ ૧૨૪ (સી) મુજબ જે કોઈ વ્યક્તિ, બોલેલા કે લખેલા શબ્દો વડે, ચિહ્નોનો વડે અથવા જોઈ શકાય તેવી નિશાનીઓ વડે કે અન્ય રીતે ભારતમાં કાયદાથી સ્થપાયેલી સરકાર પ્રત્યે ધિક્કાર અથવા તિરસ્કાર કે અનાદર પેદા કરે કે તેમ કરવાની કોશિશ કરે અથવા તેના સામે બેદિલી ફેલાવે કે તેમ કરવાની કોશિશ કરે, તેને, સાથે દંડ કરી શકાય તેવી આજીવન કેદની અથવા સાથે દંડ કરી શકાય તેવી ત્રણ વર્ષ સુધીની કેદની અથવા દંડની શિક્ષા કરવામાં આવેશે.

સ્પષ્ટીકરણ :
        કાયદામાં કેટલાક અપવાદોને લઈને સ્પષ્ટીકરણ કરવામાં આવેલ છે.

(૧) "બેદિલી" શબ્દમાં બિનવફાદારી અને દુશ્મનાવટની તમામ લાગણીઓનો સમાવેશ થાય છે.

(૨) સરકારે લીધેલા પગલામાં ધિક્કાર, તિરસ્કાર કે બેદિલી ફેલાવ્યા વિના કે ફેલાવવાની કોશિશ કર્યા વિના, કાયદેસરનાં સાધનો દ્વારા ફેરફાર કરવાની દ્રષ્ટિએ તેવા પગલાં પ્રત્યે નાપસંદગી વ્યક્ત કરતી ટીકાઓથી આ કલમ હેઠળનો ગુનો બનતો નથી.

(૩) સરકારનાં વહીવટી અથવા બીજા કાર્યો પ્રત્યે ધિક્કાર, તિરસ્કાર કે બેદિલી ફેલાવ્યા વિના કે તે ફેલાવવાની કોશિશ કર્યા વિના નાપસંદગી વ્યક્ત કરતી ટીકાઓથી આ કલમ હેઠળનો ગુનો બનતો નથી.

- અનિલકુમાર તળપદા (કાયદાની કલમે : લેખાંક : ૨)
  

ટિપ્પણીઓ નથી

Blogger દ્વારા સંચાલિત.