મંડલ કમિશનના રિપોર્ટે બદલી નાખ્યું હતું દેશના 60 કરોડ ઓબીસીનું ભાગ્ય


          સામાજિક ન્યાયના સંદર્ભમાં એપ્રિલ મહિનો ઘણુ ઐતિહાસિક મહાત્મ્ય ધરાવે છે, 11 મી એપ્રિલનો દિવસ સામાજિક ક્રાંતિના જનક મહાત્મા જ્યોતિબા ફુલેનો જન્મદિવસ હોવાના નાતે મહત્વ ધરાવે છે,14 એપ્રિલ માનવ અધિકારોના પ્રણેતા ડૉ.બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતીનો દિવસ છે, અને આ ઉપરાંત આજની 13 મી એપ્રિલ સામાજિક ન્યાયના પ્રણેતા અને વંચિતોના હિત રક્ષક એવા બિંદેશ્વરી પ્રસાદ મંડલ (બી.પી મંડલ) સાહેબની પુણ્યતિથિ છે, તો આજે 13મી એપ્રિલ નિમિત્તે બી.પી મંડલ સાહેબ વિશે થોડુ જાણીએ.

        એમની અધ્યક્ષતામાં રચાયેલ 'અન્ય પછાત વર્ગ આયોગ' જે મંડલ કમિશનના લોકપ્રિય નામથી ઓળખાય છે, જેઓના રીપોર્ટ ને આધારે અન્ય પછાત વર્ગના લોકોને સરકારી નોકરીઓમાં 27% અનામત પ્રાપ્ત થઈ, અને આ જ કમીશનની એક અન્ય ભલામણને આધારે કેન્દ્રીય શિક્ષા સંસ્થાઓમાં એડમિશન માટે પણ 27% અનામતન પ્રાપ્ત થયુ, જો કે આ કમિશનની 40 જેટલી ભલામણો માંથી મોટાભાગની ભલામણોનો અમલ હજુસુધી કરવામાં આવ્યો નથી, અને જો આવનારા ભવિષ્યમાં સરકાર દ્વારા આ ભલામણોનો સંપૂર્ણ અમલ કરવામાં આવે તો અન્ય પછાત વર્ગના સર્વાંગી વિકાસ માટે ખૂબ જ લાભકારી બની રહેશે.

      મંડલ કમિશનનો આ રીપોર્ટ ભારતમાં સામાજિક લોકતંત્ર લાવવા તેમજ દેશની 52% OBCની જનસંખ્યાને રાષ્ટ્રનિર્માણમાં ભાગીદાર બનાવવાની દ્રષ્ટિએ આઝાદી પછીની સૌથી મોટી પહેલ સાબિત થઈ, જેના ફળસ્વરુપે આ સમુદાયના લાખો લોકોને સરકારી નોકરીઓ પ્રાપ્ત થઈ, તેમજ દેશના શ્રેષ્ઠ શિક્ષા સંસ્થાનોમાં એડમિશનો પ્રાપ્ત થયા, પરિણામે અન્ય પછાત વર્ગની ભારતીય લોકતંત્ર પ્રત્યે નિષ્ઠા અને શ્રધ્ધા મજબૂત બની, લોકતંત્ર,સંસાધનો તેમજ અવસરોમાં માં એમની પણ હિસ્સેદારી છે એવી વિશ્વસનીયતા એમની અંદર પ્રબળ બની.

       મંડલ કમિશનનો રિપોર્ટ આવતાની સાથેજ અન્ય પછાત વર્ગોની મહત્વાકાંક્ષાઓમાં પણ ભરતી આવી, ખાસ કરીને ઉત્તર ભારતના પ્રદેશોમાં, રાજનીતિમાં પણ એમની દાવેદારી મજબૂત બની અને પોતાના નસીબના પોતે જ ઘડવૈયા બનવાની ભાવના અને હિંમત પ્રબળ બની, 1980 બાદ ઉત્તર ભારતમાં લાલુ-નીતિશ-મુલાયમ અને પછાત વર્ગોના તમામ નેતાઓનુ આગળ આવવુ આ જ પૃષ્ઠભુમિમાં શક્ય બન્યું છે, આ એક ભારતીય રાજકારણમાં મૂકક્રાંતિ કે સાયલન્ટ રેવોલ્યુશનનુ પ્રકરણ પણ કહી શકાય, કેમ કે આના દ્વારા દેશની એક વિશાળ જનસંખ્યાની લોકતાંત્રિક પ્રક્રિયામાં ભાગીદારી વધી, આ દ્રષ્ટિકોણથી મંડલ કમિશનનુ એક યુગાંતકારી મહત્વ છે.

         બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને ભારત સરકાર દ્વારા નિયુક્ત મંડલ કમિશનના અધ્યક્ષ બી.પી મંડલનો જન્મ 25 મી ઓગસ્ટ, 1918 ના રોજ બનારસમાં થયો હતો, મુરહો એસ્ટેટના જમીનદાર હોવા છતાં ભારતના સ્વાતંત્ર્ય ચળવળમાં હોંશે હોંશે ભાગ લીધો હતો, તેઓ બિહારની પ્રાંતીય કોંગ્રેસ કમિટી અને AICCના બિહારના સદસ્ય રાસબિહારીલાલ મંડલના સૌથી નાના પુત્ર હતા.

    રાસબિહારીબાબુએ યાદવો માટે જનોઈધારણ આંદોલન ચલાવ્યું હતું, આ આંદોલન પ્રતિક્રિયાવાદી લાગી શકે પરંતુ વાસ્તવમાં આ સ્વાભિમાન આંદોલન હતુ, 1917 માં મોંટેગ્યુ-ચેમ્સફોર્ડ સમિતિ સમક્ષ યાદવોના પ્રતિનિધિ મંડળનુ પ્રતિનિધિત્વ કરવા સાથે તેઓએ પરંપરાગત રીતે વાઈસરોયને સલામી દેવાની જગ્યાએ હસ્તધૂનન કર્યુ હતું, તેઓએ સેનામાં યાદવ રેજિમેન્ટની માંગણી કરી હતી, તે સમયગાળા દરમિયાન લગભગ નેતાઓ પોતાના સમુદાયના હિતો સાથે સંકળાયેલા હતા,  રાસબિહારીબાબુના કાર્યોને પણ એ દ્રષ્ટિકોણથી જોઈ શકાય.

    આવી પૃષ્ઠભુમિમાં બી.પી મંડલનુ પાલનપોષણ થયુ, મધેપુરા વિધાનસભાથી 1952ની પ્રથમ ચૂંટણીમાં કોંગ્રેસના પ્રત્યાશી બન્યા, અને નાની ઉંમરે મધેપુરા વિધાનસભા માટે સદસ્ય તરીકે પસંદગી પામ્યા, 1962 માં બીજીવાર તેઓ ધારાસભ્ય બન્યા, આ દરમિયાન 1965માં મધેપુરા વિધાનસભા ક્ષેત્રના  પામાં ગામના સવર્ણો અને પોલીસ દ્વારા દલિતો પર થયેલા અત્યાચારના વિરોધમાં તેઓ કોંગ્રેસ છોડીને સોશિયાલિસ્ટ પાર્ટીમાં સામેલ થઈ ગયા, અને 1967માં લોકસભા સભ્ય તરીકે નિયુક્ત થયા.

     અત્યંત નાટ્યાત્મક રાજકીય ઉથલપાથલ બાદ 1 ફેબ્રુઆરી 1968માં તેઓ બિહારના મુખ્યમંત્રી બન્યા, આ માટે તેઓએ સતીષપ્રસાદને એક દિવસ માટે મુખ્યમંત્રી બનાવ્યા હતા તે સમયે તેઓ બિહાર સરકારમાં આરોગ્ય મંત્રી હતા, તેઓ રામમનોહર લોહિયા તેમજ શ્રીમતી ઇન્દિરાગાંધીની ઈચ્છા વિરુદ્ધ બિહારમાં અન્ય પછાત વર્ગના સૌ પ્રથમ મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા હતા, પરંતુ વિધાનસભામાં બહુમતી હોવા છતાં તત્કાલીન રાજ્યપાલ એમ.એ.એચ આયંગર રાંચી જઈને બેસી ગયા અને મંડલ સાહેબને શપથવિધિ કરાવવાનો એ આધાર પર ઈન્કાર કરી દીધો કે બી.પી મંડલ બિહારના કોઈ ગૃહના સભ્ય બન્યા વિના 6 મહીના સુધી મંત્રીપદ પર રહી ચૂક્યા છે,
પરંતુ બી.પી મંડલે રાજ્યપાલ સમક્ષ પડકાર ફેંક્યો અને આ પરિસ્થિતિને પહોંચી વળવા તેઓએ સતીષપ્રસાદ એક દિવસ માટે મુખ્યમંત્રી બને અને બાદમાં રાજીનામું આપે જેથી બી.પી મંડલના મુખ્યમંત્રી બનવા વચ્ચેની અડચણો દૂર થાય.

      1968 માં પેટાચૂંટણી જીતીને બી.પી મંડલ ફરીવાર લોકસભા સદસ્ય બન્યા, 1972માં મધેપુરાથી સદસ્ય તરીકે ચૂંટાઈ આવ્યા, 1977માં જનતાપક્ષની ટિકિટ દ્વારા લોકસભા સદસ્ય બન્યા, 1977માં જનતાપક્ષના સંસદીય ક્ષેત્રના અધ્યક્ષ હોવાને નાતે કર્પુરી ઠાકુર અને સત્યેન્દ્ર નારાયણ સિંહના વિરોધ છતા પછાત વર્ગ નેતા લાલુપ્રસાદ યાદવને છપરા લોકસભાથી ને બી.પી મંડલે જ ટિકિટ આપી હતી, 1 જાન્યુઆરી, 1979 એ પ્રધાનમંત્રી મોરારજી દેસાઈએ બી.પી મંડલને અન્ય પછાત વર્ગ આયોગના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા હતા, અને આ જવાબદારીને તેઓએ ખૂબ જ ઉમદા રીતે નિભાવી હતી, અને અન્ય પછાત વર્ગનો ખૂબ ખંતથી અભ્યાસ પૂર્વક રીપોર્ટ સરકારને સુપરત કર્યો હતો, અને વિરોધીઓ દ્વારા ખૂબ પ્રયત્નો છતા સુપ્રીમ કોર્ટ દ્વારા આ રીપોર્ટ રદ કરી શકાયો ન હતો.

     અન્ય પછાત વર્ગના અધિકારો માટે એમના યોગદાનનુ ખરુ મૂલ્યાંકન તો હજુ બાકી છે,

  આજે એમની પુણ્યતિથિ નિમિત્તે મારા તરફથી એમને હાર્દિક શ્રધ્ધાંજલિ.. 🌹

– અમર કે. બહેવાસી (Amar K Bahevasi)

ટિપ્પણીઓ નથી

Blogger દ્વારા સંચાલિત.