નોટાઃ લોકતંત્રનો સશક્ત વિકલ્પ (લેખાંક-૧)



નન ઑફ ધ અબોવ મત પરથી બનેલી અમેરિકન ફિલ્મ તમે જોઈ છે?

સ્પેનિશમાં સિટિઝન ઑફ બ્લેન્ક વોટ્સ પાર્ટીને જ્યાં-જ્યાં જીત મળે તેટલી બેઠકો ખાલી રખાય છે.

ઇન્ડોનેશિયામાં કોઈ બેઠક પર માત્ર એક જ ઉમેદવાર ઊભો હોય તો પણ તે બિનહરીફ નથી ચૂંટાતો, તેને નોટા સામે લડવું પડે છે.

૨૦૧૪થી ૨૦૧૯ મોદી સરકારના કામકાજની સમીક્ષાના પાંચ વર્ષ તો છે જ, પણ સાથોસાથ નોટા મતનાય છે. કેમ કે ૨૦૧૪ની ચૂંટણીમાં ભારતીય પ્રજાને એક અદ્ભુત અધિકાર પ્રાપ્ત થયો હતો. ઊભા રહેલા તમામ ઉમેદવારોને રીજેક્ટ કરવાનો અધિકાર. ૨૦૧૪માં ભારતમાં ૧.૧ ટકા મતદારોએ નન ઑફ ધ અબોવ લખેલું ચોકડીવાળું  બટન દબાવ્યું હતું. લોકતંત્રને સશક્ત બનાવનારા નોટા વોટનો માત્ર ભારતમાં જ પ્રયોગ થાય છે એવું નથી. વિશ્વમાં ઘણે ઠેકાણે ઉપયોગાય છે. આવો તેનો રસપ્રદ ઈતિહાસ જાણીએ. 


જે લોકોને ચૂંટવાનો અધિકાર છે તેમને ના કહેવાનો પણ અધિકાર હોવો જોઈએ. ના કહેવાનો વિકલ્પ જ ન હોય ત્યારે કહેલી હા કેટલી યોગ્ય! એ કન્સેપ્ટનાના આધાર પર નોટા અસ્તિત્ત્વમાં આવ્યો છે. ગ્રીસ, આર્જેન્ટિના, યુએસ (માત્ર નેવાડા સ્ટેટ), યુક્રેન, સ્પેન, કોલમ્બિયા, બ્રાઝિલ, રશિયા, બાંગ્લાદેશ, બલ્ગેરિયા , પાકિસ્તાન, ફિનલેન્ડ, ચીલી, ફ્રાંસ, બેલ્જિયમ બધે નોટાનો ઉપયોગ થયો છે.

પાકિસ્તાન અને રશિયા સિવાયના દેશોમાં હજુ પણ થાય છે. જે લોકો નોટાનો વિરોધ કરતા હોય તેમની વિચારધારા રશિયા અને પાકિસ્તાન સાથે બંધ બેસે છે એમ સમજી લેવું. નોટાનો વિરોધ કરનારાઓ લોકતંત્રને શોભાનો ગાંઠિયો બનાવી દેવા માગે છે.

વિશ્વમાં સૌપ્રથમ વખત ૧૯૭૬માં કેલિફોર્નિયાની સાન્ટા બાર્બરા કાઉન્ટીની આઇલા વિસ્ટા મ્યુનિસિપલ એડ્વાઇઝરી કાઉન્સીલે નોટાનો ઠરાવ પસાર કર્યો હતો. તેનું અનુકરણ નેવાડા રાજ્યના મંત્રી વોલ્ટર વિલ્સન અને મેથ્યુ લેન્ડી સ્ટીને કર્યું. મંત્રાલયમાં ઠરાવ પસાર કરી કેટલાક કાયદાકીય ફેરફાર કર્યા. ૧૯૭૮માં નેવાડાની રાજ્યકક્ષાની ચૂંટણીમાં નોટાનો સૌથી પહેલો પ્રયોગ થયો હતો. વાત આટલી નાની હતી અને જુઓ આજે ક્યાંની ક્યાં પહોંચી!

સ્પેનમાં બ્લેન્ક વોટને નોટા ગણવામાં આવે છે. વેટો એન બ્લેન્કો. તમને એમ લાગતું હોય કે ચૂંટણીમાં ઊભા રહેલા બધા અક્ષમ છે તો તમારે મતપેટીમાં કોરું મતપત્રક નાખી દેવાનું. ત્યાં નોટા વોટ ગણતરીમાં માન્ય છે. આથી જેટલા બ્લેન્ક વોટ વધુ પડે એટલી ઉમેદવારે ઓછામાં ઓછા મેળવવા જરૂરી મતની સંખ્યા વધી જાય. ઓછામાં ઓછા મેળવવા જરૂરી મતનું ગુજરાતી થ્રેશ હોલ્ડ વોટ. નબળા ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થવાની શક્યતા વધી જાય.

નોટાનો પ્રચાર કરવા માટે સિટિઝન ઑફ બ્લેન્ક વોટ્સ (એસ્કેનોસ એન બ્લેન્કો) નામનો એક રાજકીય પક્ષ રચાયો છે. તેમનો કન્સેપ્ટ ખરેખર રસ પડે એવો છે. ધારો કે  એક જન પ્રતિનિધિ ગૃહમાં ૧૦૦ બેઠક છે. તેમાં બે ટકા વોટ બ્લેન્ક પડે તો બે બેઠકો ખાલી રાખવાની. જ્યાં સુધી કાયદો ન બને ત્યાં સુધી આ સંભવ નથી.

અસંભવને સંભવ બનાવવા તેમણે પોલિટિકલ પાર્ટી રચી કાઢી. તેઓ જનતાને અરજ કરે છે કે તમે બ્લેન્ક વોટ નાખો એના બદલે સિટિઝન ઑફ બ્લેન્ક વોટ્સ પાર્ટીને મત આપો. માની લો કે સિટિઝન ઑફ બ્લેન્ક વોટ્સ પાર્ટીના બે ઉમેદવાર ચૂંટણીમાં વિજેતા બન્યા. તો તેઓ વિધાયિકામાં બે બેઠક ગ્રહણ નહીં કરે. ફલતઃ આ બેઠકો ખાલી છૂટશે. આમ બ્લેન્ક વોટની અસર થશે અને રાજકીય પક્ષો પર સુપાત્ર ઉમેદવારોને ચૂંટણીમાં ઊભા રાખવાનું પ્રેશર આવશે.

મે ૨૦૧૧માં બાર્સિલોનાના જિરોનેલ્લા (કેટેલન ઉચ્ચારણ ગિલોનેઇલા)માં એક  અને ફોઇક્ઝા (કેટેલન ભાષામાં ફોઇશા)માં બે ઉમેદવાર એસ્કેનોસ એન બ્લેન્કો પાર્ટીના ચૂંટાયા હતા. તેમણે વચન મુજબ સીટ ખાલી રાખી દીધી.

ઇન્ડોનેશિયામાં ૨૦૧૬માં પસાર થયેલા કાયદા પ્રમાણે માની લો કોઈ ઉમેદવાર એકલો જ મેદાનમાં ઊતર્યો હોય તો પણ તે એકલો ગણાતો નથી. તેણે નોટા સામે બાથ ભીડવી પડે છે. ઇન્ડોનેશિયન ભાષામાં નોટાને કોટક કોસોંગ કહે છે. યાને કે ખાલી મત. માની લો ઉમેદવાર હારી જાય એવા કેસમાં સરકાર કાં તો આગામી ચૂંટણી સુધી પદ ખાલી રાખે છે અને ન જ ચાલે તેમ હોય તો તત્પૂરતી કાર્યકારી ઉમેદવારની નિયુક્તિ કરી તત્કાલ નવી ચૂંટણી જાહેર કરે છે.

૨૦૧૮માં ઇંડોનેશિયાના મકાસાર શહેરમાં મેયરની ચૂંટણી હતી. નોટાને ૩,૦૦,૦૦૦ કરતા વધુ ઉમેદવાર મળેલા. બીજા ક્રમના ઉમેદવાર કરતા ૩૫,૦૦૦ વધારે. ૨૦૨૦માં મેયરની ચૂંટણી ફરીથી યોજાશે.૨૦૧૫માં ત્રણ, ૨૦૧૭માં નવ અને ૨૦૧૮માં ૧૩ ઉમેદવારોને નોટા સામે દ્વંદ્વયુદ્ધ ખેલવું પડયું હતું.

યુનાઇટેડ કિંગડમમાં નોટાને રીજેક્ટેડ વોટ કહે છે. તેમાં ચાર પ્રકાર પડે છે. તેમાંથી માત્ર પ્રોટેસ્ટ વોટ્સ ગણનામાં લેવાય છે. બાકીના ત્રણ રદબાતલ ગણાય છે. નોટા યુકે નામની સંસ્થા દ્રઢપણે માને છે કે યુકેમાં જે રીજેક્ટેડ વોટ છે તેની કોઈ મહત્તા નથી. તેમની માગણી છે કે ઇન્ડોનેશિયાની જેમ ત્યાં પણ જો સૌથી વધુ વોટ નોટાને મળે તો સીટ ખાલી રહેવી જોઈએ. અત્યારે ત્યાં ભારત જેવું છે. નોટાને સૌથી વધુ મત મળ્યા હોય તો બીજા ક્રમનો ઉમેદવાર વિજેતા જાહેર કરવામાં આવે છે.

તેઓ આને દાંત વગરનો નોટા માને છે. ૨૦૧૫માં યુકેમાં અબોવ એન્ડ બિયોન્ડ પાર્ટી સ્થાપવામાં આવી જે નોટા માટે ઝુંબેશ ચલાવી રહી છે. તેનું પ્રતીક છે, હંસરાજનું પાન. હંસરાજ એટલે આપણે જેને વિદ્યાનું ઝાડ કહીએ છીએ તે. હંસરાજ સર કરવા કપરા હોય તેવા ભૂપ્રદેશોમાં ઊગે છે. અબોવ એન્ડ બિયોન્ડ પાર્ટી માને છે કે એક દિવસ એવો આવશે જ્યારે તેઓ નોટાને બેલેટ પેપર પર લાવવાનો કઠિન ભૂપ્રદેશ સર કરી લેશે.

યુકેમાં ૨૦૦૦ની સાલમાં નો કેન્ડિડેટ ડીઝર્વ માય વોટ પાર્ટી સ્થપાઈ છે. તેમનો પણ એ જ ઉદ્દેશ છે. ૨૦૦૯માં યુકેના ચૂંટણી પંચ સમક્ષ નોટા પાર્ટી નોંધાઈ હતી. તેમનો હેતુ સ્પેનની પોલિટિકલ પાર્ટીની જેમ જેટલી ટકાવારીમાં નોટા મતદાન થાય તેટલી બેઠકો ખાલી કરી દેવાનો હતો. તેને પ્રતિબંધિત જાહેર કરાઈ છે.

યુકેમાં બેલેટ પેપર પર નોટા ઓપ્શન મુકાયો નથી. તે મુકાવવા માટે ફિલ્ટન એન્ડ બ્રેડલી સ્ટોક મતક્ષેત્રમાં એરિક મચ નામનો એક ઉમેદવાર ઝીરો, નન ઑફ ધ અબોવ એવા નામથી ચૂંટણીમાં ઊભો રહ્યો હતો. આ બધા લોકશાહીના સૈનિકો છે.

કેનેડામાંની પ્રાંતીય ચૂંટણીમાં નોટાનો પ્રયોગ થાય છે અને એ પણ જરાક જુદી રીતે. મતદારે બૂથ સુધી જવું પડે અને ત્યાં જઈને મત આપવાનો ઇનકાર કરવાનો. ત્યાં પણ મત પત્રક પર નોટા નથી ત્યારે તેની અસર ઊભી કરવા બ્રિટિશ કોલમ્બિયામાં ૧૯૯૭માં પ્રિન્સ જ્યોર્જ નામનો બિઝનેસમેન ઝેડઝેડનનઑફ નામથી ઊભો રહ્યો હતો.

આગળ ઝેડઝેડ એટલા માટે જોડયું જેથી મતપત્રકમાં તેનું નામ સૌથી છેલ્લે છપાય. ઓન્ટેરિયોના શેલ્ડન બર્કસને તો કાયદસર પોતાનું નામ ચેન્જ કરાવ્યું. નવું નામ રાખ્યું, ઝેડનનઑફધ અબોવ. એક પોલિટિકલ પાર્ટી સ્થપાઈ છે જેનું નામ છે નન ઑફ ધ અબોવ પાર્ટી ઑફ ઓન્ટેરિયો.

નોર્વેમાં ૨૦૧૨માં બ્લેન્ક બેલેટ પેપરને નોટા ગણવાનું શરૂ થયું. ૨૦૧૩ની ચૂંટણીમાં ૧૨,૮૭૪ એટલે કે ૦.૪૫ ટકા નોટા પડયા હતા. સર્બિયામાં નન ઑફ ધ અબોવ રાજકીય પક્ષ સ્થપાયો છે. તેમને ૨૦૧૨ની ચૂંટણીમાં ૨૨,૯૦૫ મત મળ્યા હતા.

યુક્રેનના વેઝલી હ્યુમેનિયુકે ૨૦૧૦માં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઝુકાવ્યું હતું અને પોતાનું નામ બદલીને વેઝલી પ્રોટિવિઝ રાખી દીધું. યાને વેઝિલી અગેન્સ્ટ ઑલ. ઓસ્ટ્રેલિયામાં ૨૦૦૭માં જીઓફ રીચર્ડ્સન ગિલમોર ખાતેથી ચૂંટણીમાં ઊભો રહ્યો અને પોતાનું નામ ઑફ ધ અબોવ નન રાખી દીધું. આવું તો બીજા ઘણા દેશોમાં અનેક લોકોએ કર્યું છે. આ બધા લોકશાહીના એકલવીર છે.

આર્જેન્ટિનામાં તમે મતપેટીમાં મતપત્રક વિનાનું પરબીડિયું નાખો તે બ્લેન્ક વોટ ગણાય છે. પોલેન્ડના નાગરિકો કોઈ એક કેન્ડિડેટના નામ પર ચોકડી મારીને તેની વિરુદ્ધ પણ મતદાન કરી શકે છે.

૧૯૮૫માં અમેરિકામાં ફિલ્મ બની હતી બુ્રસ્ટર્સ મિલિયન્સ. તેની સામે એક એવી શરત હોય છે કે તેણે ૩૦ દિવસમાં ત્રણ કરોડ ડોલર વાપરવાના હોય છે. તે નન ઑફ ધ અબોવ માટે કેમ્પેઇન ચલાવે છે. જોતજોતામાં તે મેયરપદ માટે સૌથી લોકપ્રિય ઉમેદવાર બની જાય છે.  આ બધું તે સ્વયં માટે નહોતો કરી રહ્યો. તેને પોલિટિક્સમાં નહોતું આવવું. આથી જાહેર કરે છે કે હું જીતીશ તો હું પદ ગ્રહણ નહીં કરું.

બાદમાં ચૂંટણીમાં ઊભેલા બધા ઉમેદવાર હારી જાય છે. મહત્તમ મત નન ઑફ અબોવ માટે પડે છે. ૩૦ દિવસમાં ૩૦ કરોડ વાપરવાના કન્સેપ્ટ પરથી આપણે ત્યાં ૧૯૮૮માં નસીરુદ્દીન શાહની માલામાલ ફિલ્મ બની હતી. જોકે તેમાં નોટાનો કન્સેપ્ટ ક્યાંય નહોતો.

અમેરિકાનો એક ટીવી શો છે, કેપ્ટન પ્લાનેટ. તેની છઠ્ઠી સિઝનમાં ડર્ટી પોલિટિક્સ બતાડવામાં આવ્યું છે. પ્રમુખ પદની ચૂંટણીમાં ત્રણ બદમાશ ઉમેદવારો એ ઉમેદવારને ઉઠાવી લે છે જે સૌથી લોકપ્રિય છે. રોષે ભરાયેલી જનતામાંથી ૭૦ ટકા મતદારો નન ઑફ ધ અબોવ માટે મતદાન કરે છે. ફલતઃ નવેસરથી ચૂંટણી યોજવી પડે છે. અમેરિકન એન્ટરટેઇનર કમ એક્ટિવિસ્ટ વેવી ગ્રેવી દર વખત ચૂંટણીમાં નોબડી ફોર પ્રેસિડેન્ટ કેમ્પેઇન ચલાવે છે. (ક્રમશઃ)

Courtesy : Gujarat Samachar

3 ટિપ્પણીઓ:

Blogger દ્વારા સંચાલિત.