નોટાઃ લોકતંત્રનો સશક્ત વિકલ્પ (લેખાંક-૨)



          ગતાંકમાં આપણે જોયું કે નોટા કેવી રીતે અસ્તિત્ત્વમાં આવ્યો અને વિશ્વના કયા-કયા દેશોમાં તેનો કેટલો અદ્ભુત ઉપયોગ થાય છે. જ્યાં તેનો ઉપયોગ નથી થતો ત્યાં તેને લાવવા માટે કેવી ઝૂંબેશો ચલાવવામાં આવે છે એ પણ આપણે જોયું. આ આર્ટીકલમાં નોટા અને ભારતને કેન્દ્રમાં રાખીને નોટા વોટના વિધવિધ પાસાઓ પર પ્રકાશ પાડવામાં આવશે. ઘણા બધા લોકોના મનમાં ભ્રમ છે કે નોટા મત એ મતાધિકારનો વેડફાટ છે. ના, બિલકુલ વેડફાટ નથી. નોટા અર્થનો મતલબ એ છે કે ઘેટા ચાલે ચાલતા હજારો લોકોની વચ્ચે તમે થોડા ઘણા લોકો એવું કહેવાની હિંમત દાખવો કે આ સીટ પર ઊભેલા ઉમેદવારોમાંથી એકેય જન પ્રતિનિધિ બનવાને લાયક નથી. આપણે એમ ફરિયાદ કરતા હોઈએ છીએ કે સારા માણસો રાજનીતિમાં આવતા જ નથી. તો સમજી લો કે નોટા મત રાજનીતિમાં સારા માણસો માટે જગ્યા ઊભી કરવાની તક છે. જો કોઈ પણ ચૂંટણીમાં અમુક ટકા લોકો નોટા મત નાખે તો રાજકીય પક્ષો પર આગામી ચૂંટણીમાં સારો ઉમેદવાર ઊભો રાખવાનું પ્રેશર બને અને એમ કરતા-કરતા રાજનીતિમાં સારા માણસો માટે વેકન્સી પડે. આ એવું છે કે જ્યારે દેશમાં કોઈ ટેક્સ ભરતું નહોતું ત્યારેય બે-પાંચ ટકા લોકો એવા હતા જેઓ પ્રમાણિકતાપૂર્વક વેરો ભરતા હતા. ધારો કે તેમણે એમ કહ્યું હોત કે દેશમાં ૯૫ ટકા લોકો કરચોરી કરે છે તો અમે શા માટે બાકી રહી જઈએ? જો તેમણે એવું કર્યું હોત તો દેશ આજે આ રીતે અડીખમ ઊભો હોત નહીં. માત્ર બે-પાંચ ટકા લોકો ટેક્સ ભરતા ત્યારેય દેશનો ફાયદો થતો જ અને આજે વધુ લોકો વેરો ભરે છે તો તેનાથી પણ લાભ થઈ રહ્યો છે. લોકશાહી અને ટોળાશાહીમાં ફરક સમજવો જરૂરી છે. ઝાઝા વિચારે એ હંમેશા સાચું જ હોય અને ઝાઝા લોકો જે દિશામાં દોડે એ દિશામાં દોડવું એવું જરૂરી નથી. ૨૦૧૪માં ભાજપ માત્ર ૩૧ ટકા મતદારોના જોરે સત્તામાં આવ્યો હતો. જો ભારત લોકશાહીને બદલે ટોળાશાહી હોત તો શું મોદી સરકાર બની શકી હોત? આ ૩૧ ટકા લોકોએ એમ વિચાર્યું હોત કે દેશની ૬૯ ટકા જનતા મોદીની વિરુદ્ધ મતદાન કરી રહી છે તો અમે શા માટે તરફેણમાં કરીએ? તો જે પરિણામો આપણને ૨૦૧૪માં મળ્યા તે મળ્યા હોત ખરા? ઘેટા ચાલે ચાલવું એ ટોળાશાહી છે, પોતાની સમજણને અનુસરવું એ લોકશાહી છે. નોટાનો ઉપયોગ કરવાને બદલે ઉપલબ્ધ બહેતરમાંથી કોઈ એક પસંદ કરવાનું ગાણું ભટકાવનારું છે. દેશને બદલે જે-તે પક્ષને લાભ કરાવનારું છે. દેશહિતની વાત એ છે કે છેલ્લા સાત દાયકાથી મતદારો જે ઉમેદવારો ઊભા હોય તેમાંથી જ સૌથી ઓછા ખરાબને મત આપતા હતા, પણ હવે આપણી પાસે નોટાનો વિકલ્પ હોય તો આપણે શા માટે ઉપલબ્ધ બહેતરને ચૂંટીએ? તેના કરતા બહેતર છે કે નોટા મત આપીને રાજકીય પક્ષો પર દબાણ લાવીએ કે આ એરિયામાં જ્યાં સુધી સારો ઉમેદવાર ઊભો નહીં રાખો ત્યાં સુધી અમે નોટા મત આપતા રહીશું. ૨૦૧૩માં નોટા લાવતા પહેલા ઇલેક્શન કમિશને સ્પષ્ટતા કરી હતી કે જો કોઈ બેઠક પર જીતેલા નોટાને સૌથી વધુ મત મળશે તો પણ તે ગણનામાં લેવાશે નહીં અને બીજા ક્રમે જેને સૌથી વધુ મત મળ્યા હશે તે ઉમેદવાર વિજેતા ગણાશે. નોટા યુકે નામની સંસ્થા ભારતના નોટાને નખ વિનાનો વાઘ કહે છે. એટલે કે નોટાને સૌથી વધુ મત મળે તો પણ પુનઃચૂંટણી થતી નથી. બિલકુલ નખ વિનાનો વાઘ છે, પરંતુ એટલું યાદ રાખવું જોઈએ કે એ વાઘ તો છે જ. એની ત્રાડ રાજકીય પક્ષોને ધુ્રજાવી રહી છે. આપણને એમ થાય કે મત ગણતરીમાં નોટા મત ધ્યાનમાં નથી લેવાતા, ઉમેદવારોની ડિપોઝિટ ડૂલની ટકાવારીમાં પણ નોટા મત ગણાતા નથી તો નોટા વોટ કામના શું? તોય કામના છે. અનેક ચૂંટણીઓમાં એવું બન્યું છે કે પ્રથમ ક્રમના ઉમેદવાર અને બીજા ક્રમના ઉમેદવારને મળેલા મતો વચ્ચે જે તફાવત હોય છે તે નોટામાં પડેલા મતો કરતા ઓછો હોય છે. આથી એવું ધારી શકાય કે ઇવીએમમાં નોટા બટન ઉમેદવારથી પરિણામોને પ્રભાવિત કરી શકાય છે. રાજકીય પક્ષોની ગણતરી ઊંધી પાડી શકાય છે. નોટાનો જે સિમ્બલ છે તે અમદાવાદની શિક્ષણ સંસ્થા નેશનલ ઇન્સ્ટિટયૂટ ઑફ ડિઝાઇન(એનઆઇડી) દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. અગાઉ એક સૂચન એવું આવ્યું હતું કે નોટાનું પ્રતીક ગધેડો રાખવું, પણ ચૂંટણી પંચના વિચક્ષણ અધિકારીઓએ તે પ્રસ્તાવ ફગાવી દીધો. નોટા મત આપવો એ મતદારની વિચારશીલતા પ્રસ્તુત કરે છે, તેમનો ગુસ્સો પ્રસ્તુત કરે છે, વર્તમાન સ્થિતિ સામેની નારાજગી દર્શાવે છે, અસ્વીકૃતિ દર્શાવે છે. તેનું પ્રતીક ગર્દભ કઈ રીતે હોઈ શકે ભલા? હવે નોટાના પરફોર્મન્સની વાત. ૨૦૧૭ની ગુજરાત ચૂંટણીમાં ભાજપ, કૉંગ્રેસ અને અપક્ષ પછી સૌથી વધુ મત નોટાને મળ્યા હતા. ૧૧૮ બેઠક એવી હતી જ્યાં ત્રીજા ક્રમે સૌથી ઝાઝા મત નોટાને મળ્યા હતા. ૨૦૧૮માં કર્ણાટકની ચૂંટણીમાં નોટાને સીપીઆઇએમ અને બસપા કરતા પણ વધારે મત મળ્યા હતા. મધ્ય પ્રદેશમાં ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે હાર-જીતનો તફાવત માત્ર ૦.૧ ટકા હતો. જ્યારે નોટાનો વોટશેર ૧.૪ ટકા હતો. ગ્વાલિયરની દક્ષિણ બેઠક પર ધારાસભ્ય નારાયણસિંહ કુશવાહ ૧૨૧ મતે હાર્યા. નોટાને ૧,૫૫૦ મત મળ્યા હતા. હવે ધારો કે નોટાનો વિકલ્પ ઇવીએમ પર ન હોત તો? તો પરિણામ પલટાઈ જવાની પણ જબ્બર શક્યતા રહેત. ૨૨માંથી ૧૨ મતક્ષેત્રો એવા હતા જેમાં સરસાઈ કરતા નોટા મત વધારે હતા. આમ નોટા મત અત્યારે પણ પ્રભાવ તો પાડે જ છે. ૨૦૧૪માં ટુજી કૌભાંડનો આરોપી એ. રાજા ચૂંટણી લડયો અને એઆઇએડીએમકેના ઉમેદવાર સામે હારી ગયો. એ હરીફાઈમાં ત્રીજા ક્રમે સૌથી વધુ મત નોટા માટે પડયા હતા. યાને કે ભ્રષ્ટ ઉમેદવારોના મત કાપવામાં, તેમને હરાવવામાં નોટા અસરકારક હથિયાર નીવડી રહ્યું છે. ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષના કાર્યકરો મતદારોને ઘરે-ઘરેથી ગોતીને પરાણે મતદાન મથક સુધી તાણી આવતા હોય છે. જો મતદાર મત ન આપે તો તે કાર્યકર્તાની નારાજગી વહોરી લેતો હોય છે. આવા સમયે તેને નોટા વધારે કામ લાગે છે. નોટા બટન દબાવીને તે મત ન આપવાનો પોતાનો અધિકાર વાપરી લે છે અને બૂથ પર ઊભેલા મજબૂત કાર્યકરોને ખબર સુદ્ધા પડતી નથી. જ્યારે ગામડાંમાં સરકારે વીજળી, પાણી, સડક જેવા પ્રશ્નો તરફ દુર્લક્ષ સેવ્યું હોય ત્યારે ગ્રામવાસીઓએ સામુહિકપણે નોટા બટન દબાવીને સત્તાધીશોની બેન્ડ બજાવવાનું કામ પણ કર્યું છે. ૨૦૧૮માં મહારાષ્ટ્રની એકાધિક સ્થાનિક ચૂંટણીઓમાં આવું જોવા મળ્યું હતું. પુણે જિલ્લામાં બોરી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ૮૫.૫૭ ટકા નોટા મત પડયા હતા. મકરવાડી ગ્રામ પંચાયતમાં ૩૩૦માંથી ૨૦૪ નોટા વોટ પડયા હતા. નાંદેડ જિલ્લાના ખુગાંવ ખુર્દમાં ૮૪૯માંથી ૬૨૭ નોટા વોટ પડયા હતા. લાન્ગા તાલુકાના ૪૪૧માંથી ૨૧૦ નોટા વોટ પડયા હતા. ઘણી વાર એવું લાગે છે કે શહેરી ભારત કરતા ગ્રામીણ ભારત વધુ સમજદાર છે. પરિણામ જોઈને મહારાષ્ટ્રના રાજ્ય ચૂંટણી પંચે તરત ઘોષણા કરી કે જે બેઠક પર નોટાને સૌથી વધુ મત મળશે ત્યાં પુનઃ ચૂંટણી યોજાશે. સ્વાભાવિક છે કે રાજ્ય ચૂંટણી પંચનો ઠરાવ વિધાનસભા અને લોકસભાની ચૂંટણીને લાગુ ન પડે. જો ત્યાં પણ એ પ્રમાણેનો નિયમ અમલી બને તો નોટા અત્યારે છે તેના કરતા અનેક ગણો શક્તિશાળી બની જાય. નોટા લોકશાહીના મજબૂતીકરણની કવાયત છે. પરિપક્વ લોકતંત્રના મતદારો માટેનો અધિકાર છે. હરિયાણા સ્ટેટ ઇલેક્શન કમિશન પણ મહારાષ્ટ્ર ચૂંટણી પંચના પગલે-પગલે ચાલ્યું. પાકિસ્તાનમાં નોટા ૨૦૧૩ની ચૂંટણીમાં લાગુ પડયો હતો. ૨૦૧૬માં તે પાછો ખેંચી લેવાયો. સોવિયેત યુનિયનના વિઘટન પહેલા ૧૯૯૦માં યોજાયેલી ચૂંટણીમાં નોટાને કારણે જ કોમ્યુનિસ્ટ પાર્ટીની હાર થઈ હતી. વિઘટન પછીના રશિયાના પ્રથમ રાષ્ટ્રપતિ બોરિસ યિત્સિને કહેલું, ભ્રષ્ટ ચૂંટણીમાં પણ અમે નન ઑફ ધ અબોવ વિકલ્પ દ્વારા જનતાને અમે એ વિશ્વાસ અપાવી શક્યા કે તેમના હાથમાં અસલ સત્તા છે. લોકશાહીના નિર્માણમાં તેણે (નોટાએ) ભુમિકા ભજવી છે. રશિયામાં ૨૦૦૬માં નોટા વિકલ્પ રદ કરી નાખવામાં આવ્યો. સ્મરણ રહે કે ત્યાં લોકશાહી પણ માત્ર નામની જ રહી ગઈ છે. આના પરથી સમજી લેવું કે જે લોકો પ્રજાને નોટા મત ન આપવા આહ્વાન કરે છે તેઓ આડકતરી રીતે લોકતંત્રને નબળું પાડવાની કોશિશ કરી રહ્યા છે. સ્પેનની જેમ ભારતમાં દિવંગત કોમેડિયન જસપાલ ભટ્ટીના શ્રીમતી સવિતા ભટ્ટીએ નોટા પાર્ટી લોન્ચ કરી છે. પક્ષનું ચીહ્ન રાખ્યું છે નોટની થપ્પી. નોટા પક્ષના લોન્ચિંગ વખતે તેમણે વ્યંગની ભાષામાં કહ્યું હતું કે દરેક રાજકીય પક્ષ ભ્રષ્ટાચારને લક્ષ્યાંક બનાવવાની વાતો કરે છે ત્યારે અમે જે સૌથી વધુ ભ્રષ્ટ હશે તેને જ ટિકિટ આપીશું. તેઓ ખૂબજ કુશળ હોય છે અને સારામાં સારું નેટવર્કિંગ ધરાવતા હોય છે. તેમની શક્તિનો ઉપયોગ થવો જોઈએ. ભારતમાં નોટા એ એક સશક્ત વિકલ્પ છે. જેને પણ એમ લાગે કે મારા એરિયામાંથી ચૂંટણીમાં ઊભેલા ઉમેદવારોમાંથી એકેય યોગ્ય નથી તેમણે તુરંત નોટાનું બટન દબાવવું જોઈએ. નોટાને જંગી બહુમતીથી વિજેતા બનાવવો જોઈએ! જેથી રાજકીય પક્ષો સારા ઉમેદવારોને મેદાનમાં ઉતારવા મજબૂર બને. લોકપાલ માટે દેશમાં ઝૂંબેશ ચાલી હતી તેમ નોટાને વધુ મજબૂત બનાવવા આગામી સરકાર અને ચૂંટણી પંચને ફરજ પાડવા પણ ચળવળ ચાલવી જોઈએ.

Courtesy : Gujarat Samachar

ટિપ્પણીઓ નથી

Blogger દ્વારા સંચાલિત.